શ્રી રમેશભાઇ છોટુભાઇ પટેલ (આર.સી.પટેલ)

R C Patel

મુ.પો.: આટ, તા.જલાલપોર, જીલ્લા: નવસારી
ફોન: ઓફીસ: (૦૨૬૩૭) ૨૮૩૫૦૦,
ઘર: (૦૨૬૩૭) ૨૨૮૨૫૪,
મોબાઇલ: ૯૯૭૮૪૦૫૯૨૪

 

જન્મ તારીખ: ૫ ઓક્ટોબર, ૧૯૫૯

શૈક્ષણિક યોગ્યતા:  ઓલ્ડ એસ.એસ.સી.

પૈતૃક વ્યવસાય: ખેતી

કારકિર્દીનો આરંભ: વેલ્ડર તરીકે

 

કુટુંબની વિગત:

પત્ની: દક્ષાબેન,

પુત્ર: મીનલ(પરણિત)

પુત્રી:  કૃત્સિતા (પરણિત)

ભાઇઓ:

બહેનો:

શ્રી રમેશભાઇ છોટુભાઇ પટેલ (આર.સી.પટેલ) નો જન્મ માતા શ્રીમતી કેશીબેન અને પિતા શ્રી છોટુભાઈના અત્યંત સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા કુટુંબમાં ૫ ઓક્ટોબર ૧૯૫૯ ના રોજ થયો હતો. તેમને બે ભાઈઓ અને બે બહેનો છે. પિતા શ્રી છોટુભાઇએ આજીવન ખૂબ મહેનત કરીને પાંચ બાળકોને મોટા કર્યા હતા. પિતાની વૃદ્ધાવસ્થાને લીધે કુટુંબના સભ્યોની જવાબદારી આર.સી.એ માથે લીધી. નવસારીના આટ ગામની બી.યુ.માસ્ટર હાઇસ્કુલમાંથી જૂની એસ.એસ.સી.પાસ કરીને રાજસ્થાનના બ્યાવર ખાતે વેલ્ડીંગની ટ્રેનીંગ લઈ વેલ્ડર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. દેશના વિવિધ રાજ્યો માં નોકરી કર્યા પછી અખાતી દેશમાં ગયા. ખૂબ મહેનત કરીને એમણે કુટુંબની આર્થિક સ્થિતિને સુધારી. એ દરમિયાન સામાપોર ગામના દક્ષાબેન સાથે એમનાં લગ્ન થયાં.

અખાતી દેશમાં કામ કરતા ત્યાં તેઓને રાત્રે રેડિયો પર સમાચારો સાંભળવાની ટેવ હતી. રેડિયો સાંભળતા એમને લાગ્યું કે શ્રી વાજપેયજી અને અડવાણીજી ની વાતોમાં તથ્ય છે. તેમની વિચારધારાથી તેઓ પ્રભાવિત થયા. ત્યાં ગુજરાત અને બીજા પ્રદેશોના કામદારોને મળવાનું થતું એટલે ગુજરાત અને દેશના બીજા રાજ્યોની પરિસ્થિતિ પણ એમને જાણવા મળતી. આ વાતોએ એમના માનસ પટલ પર ઊંડી છાપ છોડી. આ દરમિયાન તેમણે અખાતી દેશોમાં વેલ્ડર તરીકેની કારકિર્દીને તિલાંજલિ આપી સ્વદેશ પાછા ફરી મત્સ્યોદ્યોગ તરફ નવી કારકિર્દીની શરૂઆત કરી. આ દરમિયાન તેમણે તળાવો વિકસિત કરી મત્સ્યઉછેરની શરૂઆત કરી.

એ સમયે દેશમાં કોંગ્રેસ શાસન દરમિયાન આપખુદશાહી, વિકાસની ઉણપ અને દિશાહીનતાના માહોલને કારણે શ્રી આર.સી.પટેલને રાજકારણમાં પણ થોડો થોડો રસ પડવા માંડ્યો. આ સમયગાળા દરમિયાન કાંઠા વિસ્તારની સ્થિતિ ખુબ દયનીય હતી. લોકોના કામો થતા ન હતા. રસ્તા, પાણી, વીજળી જેવી પ્રાથમીક જરૂરિયાતો માં પણ કાંઠા વિસ્તાર ખુબ પાછળ હતો. તદુપરાંત આ સમસ્યાને તે સમયના રાજકીય આગેવાનો સાંભળવા પણ તૈયાર ન હતા. આ પરિસ્થિતિને લીધે તેઓ ૧૯૮૮માં ભારતીય જનતા પક્ષના સામાન્ય સભ્ય તરીકે જોડાયા. ૧૯૯૫ સુધી દરેક ચુંટણીમાં તેમણે સક્રિય કાર્યકર તરીકે કામગીરી બજાવી અને કાંઠા વિસ્તારમાં ભારતીય જનતા પક્ષના જનાધારને મજબુત કરવા સતત પ્રયત્નશીલ રહ્યા. આ દરમિયાન યુવાન નેતા તરીકે તેમની શાખ સ્થાપિત થઈ.

ચૂટણી સમયે તેમણે જોયું કે કાંઠા વિસ્તારમાં ઘણાં ગામો એવાં હતા જ્યાં કાર્યકર્તાઓ અને મતદાતાઓને માર્ગદર્શન આપતું ભારતીય જનતા પક્ષનું ટેબલ પણ જોવા ના મળે. એ વખતે જલાલપોરના કાંઠા વિસ્તારમાં કોંગ્રેસની અને કોંગ્રેસના દિગ્ગજ સ્વ. સી.ડી.પટેલની ભારે હાક અને ધાક..! પરંતુ આર.સી.સાહસિક હતા, સાચી વાતમાં ગમે એવા ચમરબંધીને એ ગણકારતા નહીં. કાંઠા પંથકમાં એમની છાપ નીડર યુવાનની. ‘આર.સી’નો અવાજ ઊંચો અને વ્યક્તિત્વ સામેના માણસ ઉપર પ્રભાવ પાડે એવું. ચૂટણી સમયે તેમણે ભારતીય જનતા પક્ષનું ટેબલ મુકવાની શરૂઆત કરી. મતદારોના વિશ્વાસને પાછો લાવવા અને પક્ષને મજબૂત કરવાના કાર્ય માટે પોતાની જાતને સમર્પિત કરી. ચૂટણી ટાણે એમની આગેવાનીમાં ભારતીય જનતા પક્ષના ટેબલ મુકાતાં થયાં. ‘આર.સી’ નું નામ નવસારીના રાજકીય વર્તુળોમાં ચર્ચાતું થયું. કાર્ય માટેની પ્રતિબદ્ધતા, સખત મહેનત જેવા ગુણોના આધારે ૧૯૯૩માં તેમની વલસાડ(અને નવસારી સંયુક્ત) ભારતીય જનતા પક્ષના જીલ્લા યુવા મોરચાના મંત્રી તરીકે નિયુક્તિ થઇ.

૧૯૯૫માં ધારાસભાની ચુંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સી.ડી. પટેલની સામે ભાજપા ચૂટણી લડી શકે તેવા ઉમેદવારની શોધમાં હતું એ સમયે એમની નજર શ્રી આર.સી.પટેલ ઉપર ઠરી. આ ચૂટણીમાં ‘આર.સી.’ એ જોરદાર ટક્કર આપી. ચૂટણીમાં શ્રી સી.ડી.પટેલ જીત્યા તો ખરા પરંતુ એમની સરસાઇ ખૂબ ઓછી થઇ ગઇ. ઉપરાંત ચૂટણી દરમિયાન મત વિસ્તારમાં ભારતીય જનતા પક્ષના ટેબલ મૂકાયા અને દરેક ગામમાં ભારતીય જનતા પક્ષની મીટિંગ થઇ શકી જે પક્ષના સંગઠન અને તાકાત વધારનાર એક મહત્વપૂર્ણ ઘટના હતી. સમય સાથે તેમની લોકપ્રિયતા વધી અને વધુ લોકો તેમની સાથે જોડાયા. આ જ વર્ષે તેમને નવસારી તાલુકા (જલાલપોર તાલુકા સંયુક્ત) ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બનાવાયા. તેમણે તાલુકા-જીલ્લા પંચાયત અને લોકસભાની ચૂંટણીઓમાં સક્રીય કામગીરી બજાવી પક્ષની સ્થિતિ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. ધારાસભાની ચુંટણીના પરિણામોને ગણકાર્યા વગર આગળ વધી ૧૯૯૬માં વિજલપોર નગરપાલિકાની ચુંટણીમાં સૌપ્રથમવાર ભાજપનો ભગવો લહેરાવ્યો.

૧૯૯૮માં ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં શ્રી સી.ડી. પટેલ સામે ફરી એકવાર ભાજપાએ ‘આર.સી.’ ને મેદાનમાં ઉતાર્યા. આ વખતે એમની પાસે કાંઠા વિસ્તારના યુવાનોનો સાથ હતો, ૧૯૯૫ની ચૂટણીનો અનુભવ હતો અને મતદાતાઓનો વિશ્વાસ હતો. આ ચૂંટણીમાં શ્રી આર.સી.પટેલે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા શ્રી સી.ડી પટેલને હરાવી દીધા. ગુજરાત પ્રદેશ ભાજપાએ શ્રી આર.સી.પટેલને ‘જાયન્ટ કિલર’ કહીને વધાવી લીધા.

આમ તેઓએ ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ એમ સતત ચાર વખત વિધાનસભા ચૂટણીઓમાં વિજય મેળવાની સિદ્ધિ હાંસલ કરી, જે તેમની લોકપ્રિયતા અને જનસેવા પ્રત્યે તેમની નિષ્ઠાને ઉજાગર કરે છે.

વર્ષ ૨૦૦૦માં યોજાયેલ તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં જયારે બીજા વિસ્તારોમાં ભાજપાને જાકારો મળ્યો ત્યારે દક્ષીણ ગુજરાતમાં માત્ર જલાલપોર તાલુકા પંચાયતમાં ભાજપાએ આર. સી. ની આગેવાનીમાં સંપૂર્ણ બહુમતીથી પોતાનો ગઢ અકબંધ રાખ્યો હતો. ૨૦૦૨માં તેઓ બક્ષીપંચ મોરચા ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયા. તેમની આગેવાની હેઠળ ભાજપાએ ૨૦૦૩માં વિજલપોર નગરપાલિકાની ચૂંટણીમાં ૨૭ માંથી ૨૭ બેઠકો મેળવી. પક્ષમાં ઉત્કૃષ્ટ માર્ગદર્શકની ભૂમિકા નિભાવી ૨૦૦૫માં જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જલાલપોર મતવિસ્તારમાં સમાવિષ્ટ તાલુકાની કુલ ૨૧ બેઠકોમાંથી ૧૭ બેઠકો અને જીલ્લાની ૬ બેઠકોમાંથી ૬ બેઠકો પર જીત હાંસલ કરી. તેમના નેતૃત્વમાં પક્ષે ૨૦૧૦માં જીલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જલાલપોર મત વિસ્તારમાં આવતી ૬ બેઠકો પર વિજય હાંસલ કરી ભવ્ય સફળતા મેળવી હતી. આ જ વર્ષે જલાલપોર તાલુકા પંચાયતની ૧૯ માંથી ૧૭ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. વર્ષ ૨૦૧૫ માં પણ સ્થાનિક સ્વરાજની ચૂટણીમાં વિજયરથને આગળ ધપાવી જલાલપોર તાલુકા પંચાયતમાં ૨૦ માંથી ૧૭ અને જલાલપોર વિધાનસભા મત વિસ્તારની જીલ્લા પંચાયતની તમામ ૬ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવ્યો હતો.

કોઇ પણ કામનો તાત્કાલિક નિકાલ લાવવાના એમના અભિગમે એમને પારાવાર લોકપ્રિયતા અપાવી છે. મત વિસ્તારના તેમજ અન્ય લોકોને માટે એમના બારણા હંમેશા ખુલ્લા હોય છે, એમને મળવા માટે એપોઇન્મેન્ટ લેવાની જરૂર હોતી નથી. લાંબા સમયથી કાર્યકર રહેલા વિનમ્ર સ્વભાવના આ નેતાને, તેમની ધીરજ અને ખંત એક અસાધારણ નેતા બનાવે છે. સમાજ પ્રત્યેની નિષ્ઠાને કારણે તેઓ પોતાના જન્મદિન અને અન્ય પ્રસંગોએ રક્તદાન કેમ્પ અને અન્ય સમાજ ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરતા રહે છે.

રાજકારણ ઉપરાંત ક્રિકેટ, વૉલીબોલ જેવી રમતો અને ફોટોગ્રાફીમાં એમને ઊંડો રસ છે. નવસારી ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના તેઓ ઘણાં વર્ષોથી ચેરમેન છે અને એમની આગેવાની હેઠળ નવસારી જીલ્લાની ક્રિકેટ ટીમોની નવસારી પ્રિમિયર લિગ(NPL) નું ભવ્ય આયોજન થતું રહે છે. નવસારી ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના તાબા હેઠળ ‘આર.સી.પટેલ ક્રિકેટ કપ’ ટુર્નામેન્ટનું પણ આયોજન પણ થતા રહે છે. શ્રી આર.સી.પટેલ પોતાના મતવિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ ગ્રાઉન્ડ બને તે માટે પણ પ્રયત્નશીલ છે.