ભાજપ – વૈચારિક અને નીતિવિષયક અભિગમ

પ્રત્યેક રાજકીય પક્ષ પોતાની ચોક્કસ વિચારસરણીને આધારે રાષ્ટ્રીય રાજકારણને વળાંક આપવા પ્રયત્નો કરતો હોય છે. ચોક્કસ વિચારસરણી પક્ષના કાર્યકર્તાઓને પક્ષના કાર્યક્રમોના અચલ માટે પ્રેરણારૂપ હોય છે અને સંગઠનને મજબૂત બનાવનારી હોય છે.

ભારતીય જનતા પાર્ટી પણ તેની વિચારસરણી અને સંગઠનની દ્રષ્ટિએ ભારતીય રાજકારણમાં એક વિશિષ્ટ પક્ષ ધરાવે છે અને પોતાની વિચારસરણીના આધારે રાષ્ટ્રીય રાજકારણને વળાંક આપવા સતત પ્રયત્નશીલ રહે છે. ૧૯૫૧માં ભારતીય જનસંઘ સ્વરૂપે પ્રથમવાર પક્ષની સ્થાપના થયા પછી ભારતીય જનતા પાર્ટીએ તેની વિચારસરણીને પોતાના ચોક્કસ પ્રતિક કમળ દ્વારા વ્યક્ત કરી છે. કમળનું પ્રતિક નિર્ધારિત ધ્યેયોને વ્યક્ત કરવા માટે પસંદગી પામ્યું. કમળની ઉપરની પાંચ પાંખડીઓ પક્ષની પંચનિષ્ઠાઓને વ્યક્ત કરે છે અને નીચેની ત્રણ પાંખડીઓ સંગઠન, સંઘર્ષ અને સંરચનાના આદર્શોને રજૂ કરે છે. આઝાદીનાં સાત દાયકા પછી પણ દેશની ઘણી બધી સમસ્યાઓ હલ નથી થઈ તો આ સમસ્યાનાં ઉકેલ માટે અને રાષ્ટ્રીય વિકાસ માટે સહમતિ સાધવી જરૂરી છે એમ ભારતીય જનતા પક્ષ માને છે અને જ્યાં સહમતિ અસંભવ હોય ત્યાં સ્પર્ધા અને બંધારણીય માર્ગે સંઘર્ષ દ્વારા આદર્શ ભાવિસમાજની રચના કરવી જોઈએ એમ વિચારી પક્ષે પંચનિષ્ઠાઓ નક્કી કરી અને આ પંચનિષ્ઠાઓ દ્વારા પક્ષ બંધારણીય માર્ગે સ્પર્ધા અને સંઘર્ષ કેવી રીતે કરે છે તે જાણી શકાય. આ પંચનિષ્ઠાઓ છે: (૧) રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રીય સમન્વય, (૨) લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધતા, (૩) વિધેયાત્મક બીનસાંપ્રદાયિકતા, (૪) મૂલ્યો ઉપર આધારિત રાજનીતિ અને (૫) એકાત્મ જીવનદર્શન/ એકાત્મ માનવવાદ.

(૧) રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રીય સમન્વય :

ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠામાંની આ પ્રથમ નિષ્ઠામાં રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રીય સમન્વયનો અર્થ “ તમામ ભારતીય એકજન છે. એક જ કોમના છે અને ભારત એક રાષ્ટ્ર છે. જેમાં વિવિધ ધર્મમાં માનનારા લોકો, જુદી જુદી વિચારસરણી, વિવિધ ભાષાઓબોલનારા લોકો રાષ્ટ્રરૂપી એક જ છત નીચે શાંતિ અને સદભાવથી રહી શકે એ શક્ય બનવું જોઈએ એવો પક્ષનો ઉદેશ છે. ભારતીય જનતા પાર્ટીએ તેનું ઉદાર અર્થઘટન કર્યું છે કે “ વિવિધતામાં એકતા” સર્જીને રાષ્ટ્રીય સમન્વય કે સહમતિ સાધી શકાય અને ભાવાત્મક એકરાગિતા નિર્માણ કરી એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય. મજબૂત રાષ્ટ્રનો મતલબ કેન્દ્રીયકૃત સત્તા નહી પણ સમવાયતંત્ર (federal) અને વિકેન્દ્રિત રાજ્ય વ્યવસ્થા જ રાષ્ટ્રીય એકતા સર્જી શકે છે.

(૨) લોકશાહીમાં શ્રદ્ધા :

ભારતીય બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભોમ સત્તા આપવામાં આવી છે. કોઈ એક કે વર્ગનું શાસન અહી ચાલતું નથી. પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકોના હાથમાં હોય છે. લોકશાહી માત્ર સરકારનો પ્રકાર નથી પરંતુ જીવન પદ્ધતિ છે. તેથી લોકશાહીના કેટલાંક મૂલ્યો જેવા કે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, ન્યાય, સહિષ્ણુતાની અંદર સરકારને, વિરોધપક્ષને લોકોને શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. લોકશાહીના મૂલ્યોનો હાસ થઇ રહ્યો હોય એવું ઘણાં પ્રસંગોએ જોવા મળે છે. લોકશાહીનો મતલબ જ “ લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન, જેમાં દેશનાં તમામ લોકો સામાજીક, આર્થિક, અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય. ભારતીય જનતા પાર્ટી મૂળભુત અધિકારોના રક્ષણ માટે અન્ય લોકશાહી સંસ્થાઓને સહકાર આપી રહી છે.

આમ પંચનિષ્ઠામાં વ્યક્ત કરેલી પોતાની ભાવનાને સાકાર કરવા માટે ભાજપા સતત પ્રયત્નશીલ રહે છે. ભાજપા દેશની લોકશાહી સંસ્થાઓ અને પરંપરાઓમાં થઇ રહેલા તીવ્ર હાસ ઉપર ગંભીર ચિંતા વ્યક્ત કરી રહી છે. અન્યાય અને અસમાનતાની વિરુદ્ધ સંઘર્ષ કરતી વખતે કોઈપણ નિમ્નકૃત્યો જેવા કે રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલના પ્રવચનમાં અવરોધ નાંખવો, ધરણા, ઘેરાવ, પિકેટીંગ, ડેસ્ક ઉપર ચઢવું, પ્રિસાઈડીંગ ઓફિસરના મંચ પર ચઢવું, કાળા વાવટા બતાવવા વગેરેમાં ભાગ લેશે નહી. આ આચારસંહિતા લોકશાહીના મૂલ્યોના જતનની ચિંતા કરનારી છે.

(૩) વિધેયાત્મક બિન સાંપ્રદાયિકતા :

ભારતીય બંધારણના આમુખમાં સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિ અને સમાન આદરભાવનો સ્વીકાર થયો છે. બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. વિધેયાત્મક બિનસાંપ્રદાયિકતા એટલે કે સમાન નૈતિક મૂલ્યો જે ભારતીય સભ્યતાનું અંગ રહ્યા હોય અથવા વિભિન્ન વૈચારિક અને ઐતિહાસિક અનુભવોથી ઉત્પન્ન થયા હોય, ભલે તે જુદાં જુદાં ધર્મમાંથી ગ્રહણ કરાયા હોય છતાં પરસ્પર સમન્વિત હોય, આમ ભાજપા પણ વિવિધ ધર્મોના મૂલ્યો, વિશ્વાસનો સમન્વય પર ભાર મુકે છે. જેમાંથી સમાજના સહકાર અને બંધુત્વનું વાતાવરણ સર્જાય એવી પરિસ્થિતિને તે વિધેયાત્મક બિનસાંપ્રદાયિકતા ગણાવે છે. પ્રથમ ભારતીય જનતા પાર્ટીના મુંબઈ અધિવેશનમાં પક્ષના પ્રમુખપદેથી શ્રી અટલ બિહારી વાજપેયી એ કહ્યું હતું કે, “ પ્રાચીન સમયથી ચાલી આવતી આપણી પરંપરાને અનુરૂપ આપણે  બિનસાંપ્રદાયિકતાનો આદર્શ સ્વીકાર્યો છે. બિનસાંપ્રદાયિકતા રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રીય એકાત્મતાનો આધાર છે. ભાજપા આજ વ્યાપક અને વિધેયાત્મક બિનસાંપ્રદાયિકતાનો સ્વીકાર કરે છે. ભારતીયોને સારા માણસ બનાવવાના હેતુથી આપણે બધા જ ધર્મોના સારા વિચારોનો ઉપયોગ કરવો જોઈએ.

જનસંઘના સમયથી ભારતીય જનતા પક્ષ એક રાષ્ટ્ર-હિન્દુરાષ્ટ્ર, એકજન-કોમ –હિંદુ કોમ, અને એક સંસ્કૃતિ હિંદુ સંસ્કૃતિમાં શ્રદ્ધા ધરાવે છે. ભારતના વિવિધ ધર્મો પાળતા સમુહોને ધ્યાનમાં લઈને ભાજપા વિધેયાત્મક બિનસાંપ્રદાયિકતાનો સ્વીકાર કર્યો છે. જેના પ્રમાણે પક્ષ સર્વધર્મ સમભાવમાં માને છે. પરંતુ ભારતનો મૂળ ધર્મ હિન્દુધર્મ અને મૂળ સંસ્કૃતિ હિંદુ સંસ્કૃતિએ રાષ્ટ્રને આગવી ઓળખ આપી છે. એમ ભારતીય જનતા પાર્ટી માને છે. તેથી ભારતની આ આગવી ઓળખને સાથે રાખીને ભારતનો સર્વમુખી વિકાસ થવો જોઈએ એમ પક્ષ માને છે.

(૪) મૂલ્યો પર આધારિત રાજનીતિ :

“ રાજકારણ અર્થહીન બની રહ્યું છે.દેશની આર્થિક સ્થિતિ પણ બગડી રહી છે. સામાજીક તંગદિલી વધી રહી છે. તેમ છતાં આ સંકટો ફક્ત રાજકીય, આર્થિક કે સામાજીક સંકટો છે એમ કહી શકાય નહી. આ એક રાષ્ટ્રીય સંકટ છે. રાષ્ટ્ર સામેની અનેક સમસ્યાઓના મૂળમાં છે. જીવનમૂલ્યોનો અભાવ. નૈતિક મૂલ્યોનું સ્થાન વ્યક્તિગત સ્વાર્થ અને સત્તા લોલુપતાએ લીધું છે. એ દેશ માટે અભિશાપરૂપ છે. આ સ્થિતિમાં મૂલ્યો પર આધારિત રાજકારણની વાત આશ્ચર્યજનક લાગે પણ અશક્ય નથી. લોકહિત, રાષ્ટ્રહિત જ પહેલું બાકી બધું પછી એટલું સ્વીકારાય તો ઘણા દુષણો ઘટશે. ભાજપાએ દેશની અનેક સમસ્યાઓનું મૂળ રાજકારણના અધ:પતનને માન્યું છે. પક્ષ મૂલ્યો આધારિત રાજનીતિનો આદર્શ લઈને કામ કરવાની કોશિશ કરી રહ્યો છે. પરંતુ એકલા હાથે તેમાં સફળતા કેટલા અંશે શક્ય છે? સમગ્ર વાતાવરણ ખાસ કરીને રાજકીય વાતાવરણ દુષિત છે.

ભારતીય જનતા પાર્ટીના મુલ્યાત્મક રાજકારણની વાત ગાંધીજીના સાધન – શુદ્ધિના ખ્યાલની નજીક છે. ભાજપ અને સંઘના ટોચના નેતાઓનું વલણ ગાંધીવાદી સમાજ પ્રત્યે વિધેયાત્મક છે. ગાંધીજીનો ખાસ ભાર રચનાત્મક કાર્યક્રમ ઉપર હતો. મૂલ્ય આધારિત રાજકારણ માટે રાષ્ટ્રીય એકતાની સાથે સામાજીક એકતા પણ ખૂબ જ જરૂરી છે. ગાંધીજીએ સામાજીક એકતા માટે અસ્પૃશ્યતા નાબુદી, જ્ઞાતિની અસમાનતાની નાબુદી અને પર્ણ વ્યવસ્થા આધારિત સમાજ રચનાની વાત કરી હતી. સ્ત્રી સમાનતા, સ્ત્રીઓની ઉન્નતિ માટેના પ્રયત્નો, સામાજીક એકતા, સમાનતા માટેના ગાંધીજીના પ્રયત્નો ઘણાં સફળ રહ્યાં છે.

(૫) એકાત્મ જીવનદર્શન / એકાત્મ માનવવાદ :

પંચનિષ્ઠા અંગે ચિંતન અને મનોમંથન કરતી વખતે ભાજપાના નેતાઓ અને કાર્યકરો એકાત્મ માનવવાદ અને ગાંધીવાદી સમાજવાદમાં ઘણી બધી સામ્યતાઓને ધ્યાનમાં લઈને આગળ વધી રહ્યાં છે. બંને સિદ્ધાંતના સામાજીક અને આર્થિક ચિંતનમાં ઘણી બધી સામ્યતા જોવા મળે છે. બંને માનવીને કેન્દ્રમાં રાખીને સમાજના વિકાસની વાત કરે છે. બંને સિદ્ધાંતો માનવજીવનને અખંડ મને છે. તેથી સમાજજીવનની સમસ્યાઓને અલગ અલગ ઉકેલવાની વાત કરવાને બદલે તેને સમગ્રતાના એકાત્મ માનવવાદ સમાજમાં સંઘર્ષ કરતા સહકારના તત્વને પ્રાધાન્ય આપ્યું છે.

એકાત્મ માનવવાદ લઘુઉદ્યોગો પર ભાર મુકે છે. યાંત્રીકરણ તથા ઉદ્યોગીકરણનો વિરોદ કરે છે. ખેતીને પ્રોત્સાહન આપી ગ્રામ્ય આત્મ નિર્ભરતાઓ વિચાર કરી અંતે બેઠેલા માનવીના ઉધ્ધારની હિમાયત કરે છે.

એકાત્મ માનવવાદી અર્થવ્યવસ્થા પ્રથમ તો માનવીની મૂળભુત જરૂરિયાતો સંતોષાય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરનારી છે. ત્યારબાદ તે વ્યક્તિના વિકાસ અને સમાજની સમૃદ્ધિ વધારવાનું ધ્યેય ધરાવનારી હોય છે. એકાત્મ માનવવાદનો સમગ્ર ઝોંક પ્રાચીન ભારતીય હિંદુ ચિંતન ઉપર છે. જે હજારો વર્ષોના વિકાસનું પરિણામ છે. એકાત્મ માનવવાદનું આ હાર્દ જ ભારતીય જનતા પાર્ટીની વિશેષતા અને બળ છે.

સમગ્ર રીતે વિચારતા ટૂંકમાં કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી તેની વૈચારિક નજદીકતા ‘ સંઘ પરિવાર’ સાથે સ્વભાવિક રીતે જાળવી રાખશે. તે ભારતીય રાષ્ટ્રને તેની પ્રાચીન ઓળખ જાળવી રાખી આગળ લઇ જવા સતત પ્રયત્નશીલ હશે. આપણે સ્વતંત્ર થયાને માત્ર સાત દાયકા જેટલો જ સમય થયો છે. મોરચા સરકારનો યુગ સંક્રાતિકાળનો યુગ છે. ભવિષ્યનું ભારતીય રાજકારણ કોંગ્રેસ અને તેના નાના પ્રાદેશિક મિત્ર પક્ષો તથા ભારતીય જનતા પાર્ટી અને તેના નાના પ્રાદેશિક મિત્રો સાથે જ વિકાસ પામશે.